દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન અને અબજો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીના સંચાલક મંડળની ચૂંટણીનો રોમાંચ વધી રહ્યો છે. લાંબા સમયના પ્રચાર-પ્રસાર અને રાજકીય ખેંચતાણ બાદ આવતીકાલે સુમુલ ડેરીની બાકી રહેલી 9 બેઠકો માટે લોકશાહી ઢબે મતદાન યોજાવા જઈ રહ્યું છે. સહકારી ક્ષેત્ર પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલો તેમજ અપક્ષ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, જેના કારણે આ ચૂંટણી વિધાનસભા જેવી રસાકસી ભરી બની ગઈ છે.

સુમુલ ડેરીના સંચાલક મંડળની ચૂંટણી

ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી મતદાન મથકો પર પ્રક્રિયા શરૂ થશે જે સાંજે 4:00 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે, જેમાં સુરત જિલ્લાની ઓલપાડ બેઠક પર સૌથી ઓછી રસાકસી જોવા મળી શકે છે કારણ કે ત્યાં સૌથી ઓછા માત્ર 42 મતદારો જ નોંધાયેલા છે. તેની સામે આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતી તાપી જિલ્લાની સોનગઢ બેઠક પર સૌથી મોટો જંગ ખેલાશે, જ્યાં સૌથી વધુ 176 મતદારો ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.

17 જુલાઈએ મતગણતરી

આવતીકાલે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ બેલેટ બોક્સને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રાખવામાં આવશે. ત્યારબાદ આગામી 17 જુલાઈના રોજ સુરત સ્થિત સુમુલ ડેરીના અદ્યતન બેન્કવેટ હોલ ખાતે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ જ દિવસે બપોર સુધીમાં સુમુલની સત્તાની ચાવી કોના હાથમાં જશે તે સ્પષ્ટ થઈ જશે. ડેરીના વર્તમાન શાસકો સત્તા ટકાવી રાખે છે કે પછી વિપક્ષ કોઈ મોટો ઉલટફેર કરે છે, તેના પર દક્ષિણ ગુજરાતના લાખો પશુપાલકોની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો: Rajkot: માધાપર ચોકડી પાસે રેતી ભરેલા બેફામ ટ્રેલરે રોડ ક્રોસ કરતા યુવકને કચડ્યો, ચાલક વાહન મૂકી સ્થળ પરથી ફરાર