દક્ષિણ ગુજરાત (South Gujarat) અને ખાસ કરીને સુરત (Surat) શહેરના નાગરિકો માટે મોંઘવારીને લઈને વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી (SUMUL Dairy) દ્વારા દૂધના વેચાણ દરમાં પ્રતિ લિટર રૂ. 2 થી લઈને રૂ. 6 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવો ભાવવધારો આજથી એટલે કે ૧૯ નવેમ્બરના રોજ બપોરથી અમલી કરવામાં આવશે. ચાલુ વર્ષ 2026 (Year 2026) માં અગાઉ મે મહિનામાં ભાવવધારો કર્યા બાદ હવે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચ પર સીધો બોજ પડશે.

અમૂલ ગોલ્ડ રૂ. 76 અને બફેલો મિલ્ક રૂ. 84 પ્રતિ લિટર

નવા ભાવવધારાની વિગતો મુજબ, સૌથી વધુ વેચાતા અમૂલ ગોલ્ડ (Amul Gold) ના ૧ લિટરના ભાવમાં વધારો થતાં તે હવે રૂ. 72 ને બદલે રૂ. 76 માં મળશે. જ્યારે અમૂલ બફેલો મિલ્ક (Amul Buffalo Milk) ના ૧ લિટરના ભાવમાં સીધો રૂ. 6 નો વધારો થતાં ગ્રાહકોએ હવે રૂ. 78 ને બદલે રૂ. 84 ચૂકવવા પડશે. આ ઉપરાંત સુમુલ ગાયના દૂધ (Sumul Cow Milk) ના ભાવ રૂ. 30 થી વધીને રૂ. 32 થયા છે, જ્યારે અમૂલ શક્તિ (Amul Shakti) ના ભાવ રૂ. 33 થી વધીને રૂ. 34-35 સુધી પહોંચ્યા છે.

સુરતના આશરે 85 લાખ લોકોના ઘરખર્ચ પર અસર

રોજિંદા જીવનની અનિવાર્ય જરૂરિયાત એવા દૂધના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર સુરતના આશરે 85 લાખ લોકોના દૈનિક અને માસિક બજેટ પર પડશે. સવારની ચાથી લઈને બાળકોના પોષણ અને ઘરવપરાશ સુધી દૂધનો વપરાશ અનિવાર્ય હોવાથી પરિવારોને નાછૂટકે વધુ ખર્ચ કરવો પડશે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે ત્યારે દૂધના ભાવવધારાને લઈને ગૃહિણીઓ અને નાગરિકોમાં અસંતોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Junagadhના GIDC વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના, પિતાના જ વાહન નીચે કચડાઈ 3 વર્ષની બાળકીનું મોત