સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તાર નજીક યુવતીની છેડતી કરવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, એક રિક્ષાચાલક પર યુવતીની છેડતી કરવાનો અને તેની સાથે અસભ્ય વર્તન કરવાનો ગંભીર આક્ષેપ મુકવામાં આવ્યો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ લોકોના ટોળાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને પરિસ્થિતિ ગરમાઈ ગઈ હતી.

સ્થાનિકોએ રિક્ષાચાલકને દબોચ્યો, માર મારતો વિડીયો વાઇરલ

યુવતી સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર હાજર સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ ભાગવાનો પ્રયાસ કરતા રિક્ષાચાલકને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો દ્વારા રિક્ષાચાલકને માર મારવામાં આવ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે. ઉશ્કેરાયેલી ભીડે રિક્ષાચાલકને કાબૂમાં રાખીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે રિક્ષાચાલકની કસ્ટડી લઈ વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોએ રિક્ષાચાલકને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે રિક્ષાચાલકને કસ્ટડીમાં લઈને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુવતીની ફરિયાદ તેમજ વાઇરલ વિડીયોના આધારે પોલીસે બનાવનું સાચું કારણ જાણવા અને આગળની તપાસ હાથ ધરવા માટે તજવીજ તેજ કરી છે.

આ પણ વાંચો : Ahmedabadના અસારવામાં ભયાનક દ્રશ્ય, પાણીની ટાંકીની સફાઈ દરમિયાન મળી આવ્યો માનવ કંકાલ!