PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે સુરતની સુપ્રસિદ્ધ ડાયમંડ હોસ્પિટલ દ્વારા માનવતાની મહેક પ્રસરાવતી એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ ખાસ દિવસે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ દર્દીઓ માટે OPD તપાસ તેમજ તમામ પ્રકારની પ્રસૂતિ (ડિલિવરી) સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉમદા નિર્ણયના કારણે સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અનેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને મોટી આર્થિક રાહત મળી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની હોસ્પિટલ મુલાકાત
આ સેવા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ સુરતની ડાયમંડ હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી. હોસ્પિટલ પરિસરમાં પહોંચીને તેમણે ગણેશ વંદના કરી દિવસનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. તદુપરાંત, મંત્રીએ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ અને નવજાત શિશુઓની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
