સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી જાણીતી ક્વિક કોમર્સ ડિલિવરી એપ 'ઝેપ્ટો' (Zepto) ના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની વસ્તુઓ વેચાઈ રહી હોવાની ગંભીર બાબત સામે આવી છે. ગ્રાહક તરફથી મળેલી ચોક્કસ ફરિયાદના આધારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે રાંદેર સ્થિત ગોડાઉન પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમને સ્થળ પરથી એક્સપાયર થઈ ગયેલી સુમુલની છાસ તેમજ બ્રેડનો જથ્થો મળી આવ્યો હતો.
રૂ.25,000 નો દંડ અને શોકોઝ નોટિસ ફટકારાઈ
એક્સપાયરી ડેટનો સામાન ગોડાઉનમાં રાખી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા બદલ ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા ઝેપ્ટો સંચાલકોને તાત્કાલિક અસરથી રૂ. 25,000 નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ આ મામલે કારણદર્શક (શોકોઝ) નોટિસ પાઠવી જવાબ માગવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી કરતા અન્ય પ્લેટફોર્મ્સમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
