સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક મિલમાં કામ કરતી વખતે કરંટ લાગવાના કારણે એક યુવકનું કરૂણ મોત નીપજવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન GIDC સ્થિત 'કલર્સ ડિજિટલ મિલ'માં કામ કરી રહેલા ધીરજ કુમાર નામના યુવકને અચાનક વીજકરંટ લાગતાં તે ગંભીર રીતે પટકાઈ પડ્યો હતો. અત્યંત હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતક ધીરજ કુમારના માત્ર બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા. લગ્નના અવસરની ખુશીઓ હજુ સમેટાઈ નહોતી ત્યાં જ અકાળે બનેલી આ દુર્ઘટનાથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
સિલાઈ મશીન ખસેડતી વખતે લાગ્યો વીજકરંટ
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મિલમાં કામકાજ દરમિયાન સિલાઈ મશીન એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતી વખતે આ કરૂણ હોનારત સર્જાઈ હતી. મશીન ખસેડતી વેળાએ વાયરિંગ કે બોડીમાં લીકેજના કારણે ધીરજ કુમારને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો અને તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. મિલ પરિસરમાં બનેલી આ સમગ્ર કમનસીબ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. મિલના અન્ય કર્મચારીઓ તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ વીજળીનો ગંભીર આંચકો લાગ્યો હોવાથી તેનો જીવ બચાવી શકાયો ન હતો.
