સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદીના કિનારે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે થયેલા ગંભીર ધોવાણ સામે સુરક્ષા દીવાલ (સુરક્ષા પાળા) નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસામાં નદીના ધસમસતા વહેણને કારણે કાંઠા વિસ્તારમાં મોટું ધોવાણ થતાં નજીકમાં આવેલા ઘરો અને પરિવારો માટે ભારે જોખમ ઊભું થયું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માત્ર 30 દિવસના ટૂંકા ગાળામાં યુદ્ધના ધોરણે આ રક્ષણાત્મક પાળાનું નિર્માણ પૂરું કરવામાં આવ્યું છે.

મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કર્યું નિરીક્ષણ

નદીકાંઠે સર્જાયેલા ધોવાણની સમસ્યા અંગે આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અંગત રસ દાખવીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીની મંજૂરી મળતાં જ સિંચાઈ વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને મશીનરી અને માનવબળ સાથે કામગીરી શરૂ કરી દીધી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પોતે ઘટનાસ્થળે પહોંચીને કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને કામની ગુણવત્તા ચકાસી હતી.

પૂર અને ધોવાણના જોખમ સામે નદીકાંઠાના પરિવારોને મળી મોટી રાહત

માત્ર એક જ મહિના જેવા રેકોર્ડ સમયગાળામાં સુરક્ષા દીવાલ તૈયાર થઈ જતાં તાપી નદીકાંઠે વસવાટ કરતા અસંખ્ય પરિવારોને પૂર અને નદીના ધોવાણના કાયમી જોખમ સામે મોટી રાહત મળી છે. પોતાના ઘરની તદ્દન નજીક થયેલા ધોવાણને કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહેલા સ્થાનિક નાગરિકોમાં હવે સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. સ્થાનિકોએ રાજ્ય સરકાર, ધારાસભ્ય તેમજ સિંચાઈ વિભાગની આ ત્વરિત અને ઝડપી કામગીરીને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : Rajkotમાં બંધ રિક્ષામાંથી યુવકની લાશ મળતાં સનસનાટી, આંબેડકરનગર ચોક પાસે ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળ્યો!