દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ પર સુરત શહેરના બજારોમાં અદભુત રોનક જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના સૌથી લોકપ્રિય અને ઐતિહાસિક ચૌટા બજારમાં ખરીદદારોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દિવાળીના તહેવારના દિવસે પણ લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, જેના કારણે ચૌટા બજાર સહિતના મુખ્ય માર્ગો પર જબરદસ્ત ધમધમાટ જોવા મળી રહ્યો છે. વસ્ત્રો, મીઠાઈઓ, ફટાકડા અને પૂજાની સામગ્રી ખરીદવા માટે લોકોની પડાપડી ચાલી રહી છે.
છેલ્લી ઘડીએ ખરીદી માટે ઉમટ્યા લોકો
તહેવારોના દિવસોમાં છેલ્લી ઘડીએ ખરીદી કરવાની પરંપરા મુજબ આજે સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે ચૌટા બજારમાં જ્યાં જુઓ ત્યાં માનવ મેદની જ નજરે પડતી હતી અને પગ મૂકવાની પણ જગ્યા ન હતી. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ઉત્સાહપૂર્વક દિવાળીની ખરીદીમાં વ્યસ્ત રહ્યા હતા. મોડે સુધી બજારો ખુલ્લા રહેવાને કારણે ગ્રાહકોએ પોતાની પસંદગીની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી અને ઉત્સવના પર્વને ઉમંગભેર માણ્યો હતો.
