ગુજરાતમાં વાહનચાલકોને ઈંધણના ભાવ વધારાનો વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. અદાણી ટોટલ ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો બે રૂપિયાનો વધાર્યો કર્યા બાદ હવે ગુજરાત ગેસનો સીએનજી પ્રતિ કિલો 85.20ના ભાવે વેચાણ થશે.રવિવારે અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરાયો હતો. હવે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરાતા વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક બોજ સહન કરવો પડશે.
ગુજરાત ગેસનો સીએનજી બે રૂપિયા મોંઘો થયો
ગુજરાત ગેસ દ્વારા વધારવામાં આવેલા ભાવ આજથી જ અમલી બનશે. ગુજરાતમાં સામાન્ય રીતે જોઈએ તો, અદાણી ગેસ કરતાં ગુજરાત ગેસનો સીએનજી વધુ સસ્તો છે. અદાણી ટોટલનો સીએનજી ગેસ 90 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યો છે. જ્યારે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અદાણીના સીએનજીમાં અંદાજે 10 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં પણ વધારો થતાં વાહન ચાલકોની કમર તૂટી છે. ખાસ કરીને સીએનજી રિક્ષા ચાલકો માટે આ ભાવ વધારો નુકસાન કારક હોવાનું એસોસિએશનના સુત્રો જણાવી રહ્યાં છે.
