સુરતમાં ખાડીપૂરના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અસગ્રસ્તો માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરીને માત્ર 3 દિવસમાં જ 2500 પરિવારોને સહાયનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.પૂરથી પ્રભાવિત પરિવારોને મદદ પહોંચાડવા માટે તંત્રની 50 ટીમો કાર્યરત કરવામાં આવી છે.જેના દ્વારા અત્યાર સુધીમાં કુલ 1.50 કરોડની સહાય વહેંચાઈ ચૂકી છે.આ કામગીરી અંતર્ગત નિયમ મુજબ પરિવાર દીઠ રૂ.6800ની રોકડ સહાય ચૂકવવામાં આવી રહી છે.હાલમાં પણ બાકી રહી ગયેલા વિસ્તારોમાં સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને વહીવટી તંત્રે ખાતરી આપી છે કે બાકીના તમામ પરિવારોને પણ સત્વરે સહાયની રકમ મળી જશે.

પ્રયાસો સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા

ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. ત્યારે અસરગ્રસ્તોને ઝડપથી મદદ મળે તે માટે સરવે તેમજ રાહત કામગીરી સહિત તમામ પ્રયાસો સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ કામગીરીનો રિવ્યૂ જાણવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટિલ તેમજ જિલ્લા પ્રભારી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં રિવ્યૂ મિટિંગ મળી હતી. જેમાં પૂર બાદની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ભવિષ્યના આયોજન સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સહાયની કામગીરી યુદ્ધ સ્તરે શરૂ કરવામાં આવી

સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મિટિંગની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોઈ પણ સોસાયટીમાં કે જ્યાં પાણી ભરાયા હશે ત્યાં લોકોને ઘરવખરી અને કેશ ડોલ્સ પહોંચાડવામાં આવશે. કામ ઝડપી બને તે માટે તમામ વિસ્તારોના નોડલ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોક્કસ આંકડો જાણવા માટે ફિઝિકલ સરવેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે આવતીકાલે સાંજ સુધીમાં પૂરી થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ વહીવટી તંત્ર દ્વારા રાહત સરવે અને સહાયની કામગીરી યુદ્ધ સ્તરે શરૂ કરવામાં આવી છે. 

3300થી વધુ લોકોને રાહત સામગ્રીનું વિતરણ

અત્યાર સુધી 3300થી વધુ લોકોને જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.ભારે વરસાદ અને ખાડીપૂરી આ સ્થિતિ અંગે નિષ્ણાતોની અલગ ટીમ દ્વારા વૈજ્ઞાનિક સમીક્ષા કરવામાં આવી રહી છે.આ કુદરતી આપદામાં રાજ્ય સરકાર,જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકા લોકોની પડખે ઊભી છે. કોઈ પણ વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત નહીં રહે. દરેક જરૂરિયાતમંદ પરિવારને ઘરવખરીની સહાય વહેલામાં વહેલી તકે પહોંચાડવામાં આવશે. મિટિંગમાં સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર, મનપા કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદીઓ સાવધાન! તમારા નળમાં આવતું પાણી પીવા લાયક નહીં હોવાનો ઘટસ્ફોટ