સુરત શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠક પૂર્ણ થઈ છે. સુરત કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોડી રાત સુધી આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ તંત્ર દ્વારા આગામી 72 કલાકમાં દિવસ-રાત કામ કરીને શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી રિવ્યૂ બેઠક બાદ આ કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી છે.

9100 પરિવારોનો સર્વે પૂર્ણ 

બેઠકમાં મળેલી માહિતી મુજબ, પૂરથી પ્રભાવિત સોસાયટીઓમાં અત્યાર સુધીમાં 9100 પરિવારોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે, જેમાંથી 800થી વધુ પરિવારોને 6800 રુપિયા લેખે રોકડ સહાય ચૂકવી દેવાઈ છે. આ ઉપરાંત, 58 કોમર્શિયલ વિસ્તારોનો સર્વે પણ પૂરો થઈ ગયો છે. 

કલેક્ટર કચેરી ખાતે જઈને નામ નોંધાવવા

જે અસરગ્રસ્તોનો સર્વે બાકી રહી ગયો હોય, તેઓ કલેક્ટર કચેરી ખાતે જઈને પોતાના નામ અને વિસ્તારની નોંધણી કરાવી શકશે. તંત્ર દ્વારા આ માટે ટૂંક સમયમાં જ એક ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે.

વીમા ક્લેમ માટે ડેસ્ક 

પૂરમાં જે નાગરિકોની દુકાન, બાઈક કે ફોર વ્હીલરને નુકસાન થયું છે, તેમના વીમા ક્લેમ માટે એક ખાસ ઓનલાઈન ડેસ્ક શરૂ કરવામાં આવશે. આરટીઓ અધિકારીઓ, વીમા કંપનીના હોદ્દેદારો અને બેંકના પ્રતિનિધિઓ વર્ચ્યુઅલ માધ્યમથી કામ કરશે, જેથી અરજદારોએ ધક્કા ખાવા નહીં પડે.

સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ 

શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. હાલ 2 હજાર સ્વચ્છતા દૂત મેદાનમાં છે, જ્યારે વડોદરા અને અન્ય સ્થળોએથી વધારાનો સ્ટાફ બોલાવીને કુલ 4 હજાર સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેસીબીદ્વારા કચરાનો નિકાલ કરાશે. 

પાણીના નિકાલ માટે વધારાના 50 પંપ કામે લગાડાયા

શહેરમાં પાણીના નિકાલ માટે વધારાના 50 પંપ કામે લગાડાયા છે. મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવાયો છે, માત્ર પાણી ભરાયેલા 6 વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે વીજળી બંધ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હવે નાગરિકોને એકના બદલે બે ટાઈમ પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે. મુશ્કેલ સમયમાં સુરતીઓની ધીરજને બિરદાવતા તંત્રએ સ્થિતિ વહેલી તકે થાળે પાડવાની ખાતરી આપી છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં