સુરતના ચર્ચિત અને વિવાદાસ્પદ નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને સુરત મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસનની આકરી ઝાટકણી કાઢી છે. આ કેસની સુનાવણી દરમિયાનકોર્ટે તંત્રના જવાબો પર તીવ્ર નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "માત્ર પાંચ નીચલા સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા એ આ ગંભીર ગુનાનો જવાબ નથી. ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે આ પ્રકારની રમત ચલાવી લેવાશે નહીં, અમારી સત્તાને પડકારવાનો પ્રયાસ ન કરો."
રોડ માપણીના બહાને ખાનગી બિલ્ડરને ફાયદો કરાવ્યો!
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે, રોડ ડિમાર્કેશન (માપણી) માટે પોલીસ બંદોબસ્ત મંગાવીને તેની આડમાં આખું ગેરકાયદેસર ડિમોલિશન પ્લાનિંગ સાથે કરી નાખવામાં આવ્યું. મનપા અને પોલીસની હાજરીમાં મોટા-મોટા મશીનો રસ્તા પર આવી ગયા અને ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા. તમે ગરીબ પરિવારોના ભવિષ્યનો સહેજ પણ વિચાર ન કર્યો અને ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા માટે આખી મશીનરી કામે લગાડી દીધી?" કોર્ટે સુરત મનપા કમિશનરના રિપોર્ટને 'આંખમાં ધૂળ નાખવા સમાન' ગણાવીને ફગાવી દીધો છે.
