ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પટેલ પરિવાર અંગદાનના માનવતાવાદી અભિગમથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન અંગદાનથી પતિનું અસ્તિત્વ કોઇના જીવનમાં જીવંત રહેશે: સ્વ.હેમંતભાઈની પત્ની સ્તુતિબેન. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૮૧મું સફળ અંગદાન થયું છે. અંકલેશ્વરના ૪૧ વર્ષીય હેમંતકુમાર ધનશુખભાઈ પટેલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર, બે કિડની અને બે આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે પાંચ લોકોને નવજીવન મળશે.
ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ડો.ઉજ્જવલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાસોટ રોડ સ્થિત નિલકંઠ વિલા વિસ્તારમાં રહેતા હેમંતભાઈ પટેલ તા.૧૨ ઓક્ટોબરે બપોરે અંકલેશ્વર ભરૂચીનાકા પાસે આવેલ ડો. વિલાસ પટેલ બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડી ગયા હતા. માથામાં ગંભીર ઇજા થતાં તેમની પત્નિ સ્તુતિબેન તરત જ તેમને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ બપોરે ૨:૦૮ વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને 7/C વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની હાલત ગંભીર જણાતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા. તા.૧૮મી ઓક્ટોબરના રોજ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ડો.ઉજ્જવલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.













