સુરત વકીલ મંડળ દ્વારા છેલ્લા બે દિવસથી ચલાવવામાં આવી રહેલી વકીલોની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા વકીલોની મુખ્ય માંગણીઓનો સ્વીકાર કરીને વિવાદસ્પદ પરિપત્ર રદ કરવામાં આવતાં વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાઇકોર્ટના આ હકારાત્મક નિર્ણય બાદ વકીલોએ પોતાનું વિરોધ પ્રદર્શન પાછું ખેંચીને કામગીરી પૂર્વવત શરૂ કરી છે.

શું હતો સમગ્ર વિવાદ?

હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં કોર્ટ કાર્યવાહી અને અરજીઓના સંદર્ભમાં કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કોર્ટના કામકાજ માટે A-4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવા અને નિશ્ચિત ફોન્ટ શૈલી જાળવવા જેવા કડક નિયમોનો સમાવેશ થતો હતો. આ નવા નિયમોના કારણે દસ્તાવેજો તૈયાર કરવામાં અને દૈનિક કોર્ટ કામગીરીમાં વકીલો તેમજ તેમના અસીલોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.

સુરત વકીલ મંડળની રજૂઆત અને વિરોધ

નવા નિયમોથી ઊભી થયેલી વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુરત વકીલ મંડળ દ્વારા તેનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વકીલોએ પોતાની માંગણીઓ સત્તાધીશો સુધી પહોંચાડવા માટે છેલ્લા બે દિવસથી કામકાજથી અળગા રહીને હડતાલ પાડી હતી. વકીલ મંડળ દ્વારા હાઇકોર્ટના સત્તાધીશોને રજૂઆત કરીને આ નિયમોમાં સુધારો કરવા અથવા પરિપત્ર રદ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.

હાઇકોર્ટનો મોટો નિર્ણય અને નિયમોમાં ફેરફાર

વકીલોના વ્યાપક વિરોધ અને સુરત વકીલ મંડળની યોગ્ય રજૂઆતોને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટે નમતું જોખ્યું છે. હાઇકોર્ટે સંબંધિત વિવાદસ્પદ પરિપત્ર રદ કરવાનો નિર્ણય લીધો છે અને સાથે જ A-4 પેપર તથા ફોન્ટના કડક નિયમોમાં જરૂરી ફેરફાર કરવાની જાહેરાત કરી છે.હાઇકોર્ટના આ નિર્ણયથી સુરત સહિત સમગ્ર રાજ્યના વકીલ આલમને મોટી રાહત મળી છે. વકીલ મંડળે હાઇકોર્ટના આ નિર્ણયને આવકારીને હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી છે, જેનાથી કોર્ટ કામગીરી ફરી એકવાર ધમધમતી થઈ ગઈ છે અને અસીલોને પણ રાહત થઈ છે.

આ પણ વાંચો - Rajkotના ચોરડી ગામે ગૌચર જમીન બચાવવા અનોખું આંદોલન: ખેડૂતોએ જેટકો કંપનીનું 'બેસણું' યોજી નોંધાવ્યો વિરોધ