લાંબા સમયથી લોકોના ઘરો સુધી પહોંચી રહેલા લાલ કલરયુક્ત પાણીની ફરિયાદોને અંતે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને SMC વચ્ચે ચાલતી "ખો ખો" રમતનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે SMC ના અધિકારીઓએ GPCB ના આદેશની રાહ જોયા વિના જ 40 થી વધુ ગેરકાયદે ડાઇંગ યુનિટને સીલ કરી દીધા છે.


"દેર આયે દુરસ્ત આયે"

આ કાર્યવાહી પાંડેસરા, લિંબાયત, બમરોલી, ઉધના, ભેસ્તાન અને સચિન જેવા વિસ્તારોમાં કરવામાં આવી છે, જ્યાં ગેરકાયદેસર ડાઇંગ મિલો ધમધમી રહી હતી. લોકોમાં એવી ચર્ચા છે કે, "દેર આયે દુરસ્ત આયે", SMC ના અધિકારીઓને ભગવાને સદબુદ્ધિ આપી છે, જેના કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ કાર્યવાહીથી ખૂબ જ ખુશી વ્યક્ત કરવામાં આવી છે. તેઓ લાંબા સમયથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને હવે તેમને આશા છે કે તેમના ઘરોમાં સ્વચ્છ પાણી પહોંચશે.

કતારગામ અને વરાછામાં હજુ પણ પ્રદૂષણનો પ્રશ્ન

જોકે, હજી પણ સુરતના કતારગામ અને વરાછા જેવા અન્ય વિસ્તારોમાં પણ આવા ગેરકાયદેસર "તપેલા" ડાઇંગ યુનિટ ધમધમી રહ્યા હોવાની ફરિયાદો છે. સુરતમાં રહેતા લોકો દ્વારા સમગ્ર શહેરમાં આ પ્રકારની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી પ્રદૂષણ અને પાણીના દૂષણ જેવી સમસ્યાઓ પર કાયમી ધોરણે અંકુશ લાવી શકાય. હવે જોવું રહ્યું કે SMC આ કાર્યવાહીને કેટલી સઘન અને વ્યાપક બનાવે છે.


  • Follow us on: