સમગ્ર દેશમાં તા.3 ઓગષ્ટ રાષ્ટ્રીય અંગદાન દિવસરૂપે ઉજવાય છે. 15મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અંગદાન ક્ષેત્રે થતી કામગીરીને બિરદાવવામાં માટે નવી દિલ્હીના ડો.આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે NOTTO આયોજિત સમારોહમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ‘બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર’નો એવોર્ડ એનાયત કરાયો છે. અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ છે.


અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલની કામગીરી

અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ માટે આરોગ્ય મંત્રાલયની કેન્દ્રીય સંસ્થા NOTTO" (નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા આયોજિત એવોર્ડ સમારોહ યોજાયો હતો. ગરવી ગુજરાત ભવન-નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી સિવિલ તંત્રના આરોગ્ય ટીમ, પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી એવોર્ડ પ્રાપ્ત થવા બદલ શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે, સુરત નવી સિવિલથી કુલ મળીને 26 આંખો, 57 લીવર, 126 કિડની, 9 હાથ, 6 હ્રદય, 12 ફેફસા, 2 પેન્ક્રીયાઝ (સ્વાદુપિંડ), 6 સ્મોલ બાઉલ, 1 RAFF (રેડિયલ ફોરિયમ ફ્લેપ)નું દાન થયું છે. નવી સિવિલમાં 72 અંગદાન થકી 250 જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળ્યું છે.

3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિવસઃ અંગદાન વિશે લોકજાગૃતિ માટે કાર્યરત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા NOTTO

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની NOTTO (National Organ and Tissue Transplant Organization) ના નેજા હેઠળ ભારતમાં દર વર્ષે તા.3 ઓગસ્ટે રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવવામાં આવે છે. અંગદાન વિશે લોકજાગૃતિ ફેલાવવી, અંગદાતા બનવા માટે પ્રેરણા આપવી, અંગદાતા અને તેમના પરિવારને માનવીય અભિગમ સાથે અંગદાન પ્રત્યેની વૈજ્ઞાનિક સમજ કેળવે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી 8 જેટલા લોકોને નવજીવન મળી શકે છે. દાન કરી શકાય એવા અંગોમાં હ્રદય, યકૃત (લીવર), ફેફસા, કિડની, સ્વાદુપીંડ, આંખો (કાર્નિયા), હાથ છે. દેશમાં પ્રથમ વખત 2010માં રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવાયો હતો, ત્યારથી દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.

  • Follow us on: