રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે કાયદાના રક્ષકો જ ભક્ષક બનતા હોય તેવી શરમજનક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના અઠવાગેટ જેવા ધમધમતા વિસ્તારમાં શનિવારે રાત્રે દારૂના નશામાં ધૂત થઈને એસટી બસ સાથે કારનો અકસ્માત સર્જનાર એએસઆઈ અજય પટેલને આખરે મોડી સાંજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા આ કડક સસ્પેન્શનનો આદેશ જારી કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.


 બસ સાથે જોરદાર અકસ્માત સર્જ્યો

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, શનિવારે રાત્રે અઠવાગેટ પાસે એએસઆઈ અજય પટેલે દારૂના નશામાં ચૂર થઈ પોતાની કાર બેફામ હંકારી એક બસ સાથે જોરદાર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ આ દારૂડિયા પોલીસકર્મીનો વીડિયો ઉતારી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થયો હતો.

સુરત પોલીસની ભારે બદનામી

વીડિયોમાં પોલીસકર્મી નશાની હાલતમાં બરાબર બોલી કે ચાલી પણ શકતો ન હોવાનું સ્પષ્ટ દેખાતું હતું, જેના કારણે સુરત પોલીસની ભારે બદનામી થઈ હતી.

જામીનપાત્ર કલમો લગાવીને તુરંત જામીન પણ આપી દીધા

આ મામલે ઉમરા પોલીસે પ્રાથમિક તબક્કે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, શરૂઆતમાં ઉમરા પોલીસે પોતાની જ ખાખીના સાથીદારને બચાવવા માટે સામાન્ય જામીનપાત્ર કલમો લગાવીને તુરંત જામીન આપી મુક્ત કરી દેતા ઉચ્ચ અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા હતા.

 ASI અજય પટેલને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ

સોશિયલ મીડિયામાં જનતાનો ભારે આક્રોશ અને મીડિયાના દબાણ બાદ, આખરે મોડી સાંજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. પોલીસ હેડક્વાર્ટરથી સત્તાવાર હુકમ બહાર પાડી કાયદાના લીરેલીરા ઉડાડનાર ASI અજય પટેલને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચો----     Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય


  • Follow us on: