સુરતમાંથી પોલીસ તંત્રની ગંભીર બેદરકારી અને તપાસની ક્ષતિઓનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવાના ગંભીર આક્ષેપ સાથે પકડાયેલા બે આરોપીઓ સામેનો કેસ સાબિત થઈ શક્યો ન હતો અને કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા હતા. પોલીસની ઘોર બેદરકારીના કારણે ગુનાના આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ લઈને છૂટી જતાં ન્યાય તંત્ર અને પોલીસ વિભાગ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
FIRમાં ચોરીની કલમ જ ન ઉમેરી
મળતી વિગતો અનુસાર, આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.વી. રાણા દ્વારા ટેન્કરમાંથી કેમિકલ ચોરી મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે કેસના તપાસ અધિકારી કે પીઆઈ પોતે જ આ મામલે સાક્ષી બન્યા હતા, પરંતુ પ્રાથમિક તપાસ અને ફરિયાદ નોંધતી વખતે સૌથી મોટી ભૂલ એ થઈ કે એફઆઈઆરમાં 'ચોરી'ની મૂળ કલમ જ ઉમેરવામાં આવી ન હતી. કલમોના અભાવે કાનૂની પકડ નબળી પડી હતી.
