સુરતના પુણા વિસ્તારમાં મચ્છરોના વધતા ઉપદ્રવથી સ્થાનિક લોકો ભારે પરેશાન છે. સહયોગ સોસાયટીમાંથી પસાર થતી ખાડીની આસપાસ આવેલી સહયોગ, સમ્રાટ અને ગૌતમ સહિતની સોસાયટીઓમાં મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે. આ સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ હવે મહાનગરપાલિકા સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. એક સ્થાનિક મહિલાએ મેયરને તેમના ઘરે ભજીયા ખાવા અને 5 દિવસ રોકાવા માટે અનોખું આમંત્રણ આપ્યું છે.
‘મેયર અમારા ઘરે ભજીયા ખાય અને પાંચ દિવસ રોકાય’
સ્થાનિક મહિલાએ મેયરને સંબોધીને કહ્યું હતું કે, ‘મેયરશ્રીને અમારા ઘરે ભજીયાનું આમંત્રણ આપું છું. મેયર અમારા ઘરે ભજીયા ખાય અને પાંચ દિવસ રોકાય. જો તેમને મચ્છરથી કોઈ બીમારી ન થાય તો અમે માફી માગીશું. પરંતુ જો પાંચ દિવસમાં મચ્છરથી બીમારી થાય તો તેની જવાબદારી તેમણે લેવી પડશે.’
સમસ્યાનો કાયમી ઉકેલ ઇચ્છે છે
મહિલાએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકો મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા છે અને હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ ઇચ્છે છે.
30 વર્ષથી ખાડી પૂરવાની વાત અધૂરી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાડીની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. ખાડી પૂરવાની વાત પણ છેલ્લા 30 વર્ષથી ચાલે છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. ખાડીની સફાઈ નિયમિત ન થતી હોવાના કારણે આસપાસની સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.
ચૂંટણી સમયે નેતાઓ આવે છે, પછી કોઈ જોવા આવતું નથી
સ્થાનિકોએ નેતાઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. મહિલાએ કહ્યું હતું કે નેતાઓ માત્ર મત લેવા માટે આવે છે અને ત્યારબાદ પાંચ વર્ષ સુધી કોઈ સ્થાનિકોની સમસ્યા જોવા આવતું નથી. સ્થાનિકોએ નેતાઓને આ વિસ્તારની સમસ્યા તરફ ધ્યાન આપવા વિનંતી કરી છે. મચ્છરોના ત્રાસ અને ખાડીની સફાઈના મુદ્દે હવે લોકો મહાનગરપાલિકા સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
સારું ખવડાવવું એ કોઈ ગુનો નથી
ઉલ્લેખનિય છે કે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દિવાળી અને ચંડી પડવોની પૂર્વસંધ્યાએ યોજાયેલી નાસ્તા પાર્ટી 'ભજીયા કાંડ' તરીકે શહેરમાં ભારે વિવાદનું કેન્દ્ર બન્યો હતો. સામાન્ય સભામાં માત્ર ભજીયા પાછળ જ પ્રજાની તિજોરીમાંથી 1 લાખથી વધુનો તોતિંગ ખર્ચ કરાયો હતો. જો કે આ મામલે વિવાદ થતાં સુરતના મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સસ્તું નહીં પણ ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવ્યું છે અને સારું ખવડાવવું એ કોઈ ગુનો નથી
આ પણ વાંચો : Ahmedabad : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન: ‘નકલી દેવી-દેવતાઓથી દૂર રહો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જ ભગવાન’