RTOની એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવીને આચરવાના સાયબર ફ્રોડ ( RTO Cyber Fraud Case ) ના કારણે લોકોમાં ભય સર્જાયો હતો. આ સાયબર ફ્રોડનો ભોગ સુરતના એક વૃદ્ધ પણ બન્યા હતા. જોકે, સાયબર સેલને આ કેસમાં મોટી સફળતા મળી છે. સાયબર સેલની ટીમ દ્વારા 3 આરોપીઓને ઝારખંડથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓએ સુરતના વૃદ્ધ સાથે 27 ઓગસ્ટના રોજ 2.45 લાખનો સાયબર ફ્રોડ કર્યો હતો.


મોબાઈલ લેતા રિકવર કરવાની તજવીજ શરૂ

સુરતમાં વૃદ્ધ પાસે RTOની એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવીને સાયબર ફ્રોડ આચરતી જામતારા ગેંગના ગેગ લીડર સહિત 3 આરોપીઓને સાયબર સેલ દ્વારા ઝારખંડથી ફિલ્મીઢબે પકડી લેવામાં આવ્યા છે. ભેજાબાજોએ મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી દીધો હતો, જે કારણે રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસની મુશ્કેલી વધી ગઈ છે. આ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે મોબાઈલ ડેટા રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે થયો હતો RTO APK સાયબર ફ્રોડ

ઘટનાની મળતી માહિતી અનુસાર, 27 ઓગસ્ટના રોજ સુરતના ડુમ્મસ ખાતે રહેતા એક વૃદ્ધના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ-ચલણની એપ્લિકેશન ફાઈલ આવી હતી. વૃદ્ધે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નામ, જન્મ તારીખ અને બેંકના ક્રેડિટ કાર્ડની વિગતો નાંખી હતી. પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી.

સાયબર ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો હતો. એપ્લિકેશન બંધ થતા જ કાર્ડમાંથી 50 હજારના 4 ટ્રાન્ઝેક્શન અને 45 હજારનું એક ટ્રાન્ઝેક્શન મળી કુલ 2.45 લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા. જે અંગે વૃદ્ધ દ્વારા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

જામતારાના ગેંગ અને તેના સાગરિતોનું કમિશન

સાયબર સેલ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવતા ઠગાઈના રૂપિયા કોલકોતાના યુવકોના બેંક ખાતામાં જમા થયા હોવાની વિગતો સામે આવી હતી. બે એક મહિના પહેલા સાયબર સેલે પશ્ચિમ બંગાળમાંથી લઈક નફીઝ એમડી નફીઝ અને મો.અસલમ ઉર્ફે ગુરુ મકબૂલ ઉર્ફે હારૂન અન્સારીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની તપાસમાં આરોપી લઇકના ખાતામાં ફ્રોડના 2.45 લાખ પૈકી 1 લાખ જમા થયા હતા.

આ એકાઉન્ટ સદ્દામ નામનો આરોપી ઓપરેટ કરતો હતો. સદ્દામે લઈકના ખાતામાં 25 હજાર કમિશનના ટ્રાન્સફર કર્યા હતા. વધુમાં લઈક અન્ય આરોપી અસલમ ઉર્ફે ગુરુ અને સદ્દામ સાથે એટીએમમાંથી નાણાં ઉપાડવા ગયો હતો. સદ્દામે 1 લાખમાંથી 20 હજાર કમિશનના લઈ બાકીના 80 હજાર અસલમને આપ્યા હતા. તેણે કમિશનના 5 હજાર લઈ બાકીના 75 હજાર સીડીએમ મારફતે જામતારાના ગેંગ લીડર સરફરાજના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

ત્રણ દિવસ સુધી સતત વોચ ગોઠવી

સાયબર સેલ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ઝારખંડના જામતારા ખાતે આ ગેંગ હોવાની માહિતી મળી હતી. જે બાદ સાયબર સેલની ટીમને તેમનું ચોક્કસ લોકેશન મળી ગયું હતું. જેને લઇ સુરત સાઇબર પોલીસના PI સાથેની ટીમ ઝારખંડના જામતારામાં ધામા નાંખી સાયબર સેલે ગેંગ લીડર મો.સરફરાઝ યાસીન અન્સારી અને રિયાઝ અન્સારી મો.કલીમ મીયા, શહઝાદ અન્સારી નૂર મોહમંદને ઝડપી લીધા હતા.

આ ત્રણેય ભેજાબાજોને પોલીસે ફિલ્મીઢબે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓને પકડવા માટે વેશ પલટો કરવો પડ્યો હતો. પોલીસે સ્થાનિક રહેવાસી હોવાનો વેશ ધારણ કરીને ત્રણ દિવસ સુધી સતત વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જોકે, પોલીસ આરોપીઓને પકડે તે પહેલા જ આરોપીઓએ મોબાઇલ ડેટા ડિલીટ કરી દીધા હતા.

હાલ પોલીસે ડેટા રિકવર કરી રહી છે. આરટીઓની ફાઈલ ડાઉનલોડ કરીને ફ્રોડ કરવાના અનેક મામલા સામે આવે તેવી શક્યતા છે. પોલીસે આરોપીના 8 દિવસના રિમાન્ડ મેળવી ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

  • Follow us on: