ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, "ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી પર તરાપ મારનારા સાયબર ઠગ સામે ગુજરાત પોલીસે જંગ છેડી છે." તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ સામે બેવડી સફળતા મેળવી છે, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ₹૫.૫૧ કરોડથી વધુની રકમ પરત અપાવવામાં આવી છે અને ₹૮૦૪ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.


ગુજરાત પોલીસની સાયબર ફ્રોડ વિરુદ્ધની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે પણ બિરદાવવામાં આવી

સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના અધિકારી કમૅચારીઓને અભિનંદન પાઠવતા હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોલીસની સાયબર ફ્રોડ વિરુદ્ધની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે પણ બિરદાવવામાં આવી છે. પોલીસની સફળતાની વિગતો આપતા સંઘવીએ જણાવ્યું કે, "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા નાગરિકોને તેમના ઐતિહાસિક રકમ પરત અપાવવામાં આવી છે. એક મોટા કિસ્સામાં, વડોદરાના એક સિનિયર સિટીઝનને પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓના નામે જંગી નફાની લાલચ આપી છેતરવામાં આવ્યા હતા, જેમના ₹૪.૯૧ કરોડ પોલીસે સફળતાપૂર્વક ફ્રિઝ કરાવી પરત અપાવ્યા.

ગુજરાત પોલીસે દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતા એક વિશાળ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો

અન્ય એક ભયાનક કિસ્સામાં, અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલાને નકલી પોલીસ અધિકારી બની "ડિજિટલ અરેસ્ટ" કરી, ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ૧૨ દિવસ સુધી SKYPE પર નજરકેદ રાખી ₹૪૮ લાખ પડાવી લેવાયા હતા, તે રકમ પણ પોલીસે પરત અપાવી છે. આ ઉપરાંત, “ROCKCREEAK” નામની નકલી ટ્રેડિંગ એપ દ્વારા એક પરિવાર સાથે થયેલી ₹૧૨.૭૦ લાખની છેતરપિંડીના નાણાં પણ પોલીસે રિકવર કરી પરત કર્યા છે. આંતરરાષ્ટ્રીય નેટવર્ક પરની કાર્યવાહી અંગે સંઘવીએ માહિતી આપી કે ગુજરાત પોલીસે દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતા એક વિશાળ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

સુરતમાંથી ૧૦ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી

આ ગેંગ સામાન્ય નાગરિકોને દોઢ-બે ટકા કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતા અને સિમકાર્ડ મેળવી, તેનો ઉપયોગ દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે કરતી હતી. આ ગેંગ દ્વારા દેશભરમાં ૧૫૪૯ ગુના આચરી અંદાજે ₹૮૦૪ કરોડની ઠગાઈ કરવામાં આવી છે, જે પૈકી ગુજરાતમાં ૧૪૧ ગુનામાં ₹૧૭.૭૫ કરોડની છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં સુરતમાંથી ૧૦ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ગુનાની ગંભીરતા દર્શાવતો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં ૬૫ મોબાઇલ ફોન, ૪૪૭ ડેબિટ કાર્ડ, ૫૨૯ બેંક એકાઉન્ટ કીટ, ૬૮૬ સિમકાર્ડ અને ૧૬ POS મશીન સામેલ છે.

ગૃહ રાજ્ય મંત્રીએ નાગરિકોને "સાયબર સુરક્ષા કવચ" અપનાવવા અપીલ કરી હતી

તેમણે જણાવ્યું કે કોઈપણ સાયબર ફ્રોડનો ભોગ બન્યાના "ગોલ્ડન અવર" એટલે કે પ્રથમ કલાકમાં જ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરવો અત્યંત જરૂરી છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભારતમાં "ડિજિટલ અરેસ્ટ" જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી, અને આવા નકલી કોલ્સથી ડરવાની જરૂર નથી. તેમણે સોશિયલ મીડિયા પર રાતોરાત કરોડપતિ બનાવતી સ્કીમ અને અજાણી લિંકથી સાવચેત રહેવા જણાવ્યું.

ગુજરાતની ધરતી પર સાયબર ગુનેગારો માટે કોઈ સ્થાન નથી

સંઘવીએ નાગરિકોને ચેતવ્યા કે પૈસાની લાલચમાં પોતાનું બેંક ખાતું કે સિમકાર્ડ કોઈને પણ વાપરવા આપવું એ ગંભીર ગુનો છે અને આમ કરનાર ફ્રોડનો ભાગીદાર ગણાશે. અંતમાં, સંઘવીએ સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ અને CID ક્રાઈમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નાગરિકોને ખાતરી આપતા જણાવ્યું કે, "ગુજરાત સરકાર તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છે. તમે સાવચેત રહો, અમે સતર્ક છીએ." આ સાથે જ તેમણે સાયબર ગુનેગારોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "ગુજરાતની ધરતી પર સાયબર ગુનેગારો માટે કોઈ સ્થાન નથી. તમે દુનિયાના કોઈપણ ખૂણામાં કે પાતાળમાં પણ છુપાયા હશો, તો પણ ગુજરાત પોલીસ તમને શોધી કાઢશે અને કાયદાના હવાલે કરશે."

  • Follow us on: