સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લક્ષ્મીવિલા કંપની ખાતે લિફ્ટની ગંભીર દુર્ઘટનામાં 55 વર્ષીય શ્રમિક સુરેન્દ્ર ઓઝાનું મોત થયું છે. ઉપરના માળે લિફ્ટનો દરવાજો ખુલ્લો હોવા છતાં લિફ્ટ નીચે હોવાથી સુરેન્દ્ર ઓઝા નીચે પટકાયા હતા. આ દુર્ઘટનાને પગલે કંપની સંચાલકોની બેદરકારી સામે પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો છે.

લિફ્ટનો દરવાજો ખુલ્લો, શ્રમિક નીચે પટકાયા

પરિવારજનોના જણાવ્યા મુજબ, ઉપરના માળે લિફ્ટનો દરવાજો ખુલ્લો હતો, પરંતુ લિફ્ટ નીચે હતી. આ દરમિયાન સુરેન્દ્ર ઓઝા નીચે પટકાયા હતા. બપોરે આશરે 2 વાગ્યે બનેલી આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અડધો કલાક મોડે એમ્બ્યુલન્સ બોલાવ્યાનો આક્ષેપ

પરિવારજનોએ કંપની સંચાલકો પર સમયસર એમ્બ્યુલન્સ ન બોલાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અકસ્માત બપોરે 2 વાગ્યે થયો હોવા છતાં કંપની તરફથી આશરે અડધો કલાક બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરિવારનો એવો પણ આક્ષેપ છે કે સમયસર સારવાર ન મળતાં હોસ્પિટલ લઈ જતી વખતે જ 10થી 15 મિનિટમાં સુરેન્દ્ર ઓઝાનું મોત થયું હતું.

કંપની માલિક સામે પરિવારનો વિરોધ

ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ કંપનીના માલિક અને સંચાલકો સામે બેદરકારી તથા સંવેદનહીનતાના આક્ષેપો કર્યા છે. પરિવારની માંગ છે કે મૃતકની અંતિમવિધિનો સંપૂર્ણ ખર્ચ કંપની માલિકે ઉઠાવવો જોઈએ. આ ઉપરાંત મૃતકની દીકરીના લગ્નનો ખર્ચ પણ કંપની માલિક ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે.

માગણીઓ નહીં સંતોષાય તો ધરણાની ચીમકી

પરિવારજનોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ કંપનીના ગેટ પર રાખીને ધરણાં કરવામાં આવશે. આ ઘટનાને પગલે કંપનીની કામગીરી અને અકસ્માત બાદની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 


આ પણ વાંચો :    Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન