સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ફાળવવામાં આવેલા સરકારી મકાનોમાં ચાલી રહેલી ગંભીર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. અગાઉ આવાસ મેળવીને તેને ગેરકાયદેસર રીતે ભાડે આપી દેનારા ભાડૂતો અને મૂળ લાભાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કર્યા બાદ, હવે તંત્ર દ્વારા ખોટી રીતે મકાન મેળવનારા મૂળ માલિકો પર જ તવાઈ બોલાવવાની પૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ખોટા દસ્તાવેજોથી એકથી વધુ આવાસ મેળવ્યાનો પર્દાફાશ
એક તરફ સુરત શહેરમાં હજારો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો પોતાના ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે વર્ષોથી પ્રતીક્ષા યાદી (વેટિંગ લિસ્ટ) માં રાહ જોઈને બેઠા છે, ત્યારે બીજી તરફ કેટલાક ચાલાક લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને એકથી વધુ આવાસ પચાવી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન પતિ અને પત્ની બંનેના નામે અલગ-અલગ આવાસ મેળવી લીધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.
