સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં સારવાર અર્થે આવેલા સેંકડો દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વીજળી ગૂલ થઈ જવાને કારણે હોસ્પિટલની મહત્વની ઓપીડી કામગીરી, કમ્પ્યુટર અને દર્દીઓ માટેની ટોકન સિસ્ટમ એકાએક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. સોમવારની ભારે ભીડ વચ્ચે કેસબારી પર અચાનક સેવાઓ બંધ થતાં દર્દીઓ તથા વૃદ્ધોની લાંબી કતારો લાગી.

તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ

સુરત સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં સર્જાયેલી આ અણધારી ટેકનિકલ સમસ્યાને પગલે સમગ્ર વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સામાન્ય દિવસોની સરખામણીએ સોમવારે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા ખૂબ વિશેષ રહેતી હોય છે, તેવામાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં દર્દીઓ અટવાયા હતા. 

દર્દીઓની નોંધણી પ્રક્રિયા એકાએક અટકી 

ઓપીડી વિભાગમાં કમ્પ્યુટર્સ બંધ થઈ જવાથી દર્દીઓની નોંધણી પ્રક્રિયા એકાએક અટકી પડી હતી અને ટોકન સિસ્ટમ પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. લાંબો સમય સુધી ઊભા રહેવા છતાં વારો ન આવતાં કેસબારી બહાર દર્દીઓ અને વૃદ્ધોની લાંબી લાઈનો લાગી હતી. દર્દીઓને હોસ્પિટલ પરિસરમાં ભારે અસુવિધા અને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

શૌચાલયોમાં પાણીની સુવિધા બંધ 

આ ઉપરાંત, હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગના શૌચાલયોમાં પાણીની સુવિધા ન મળવાને કારણે દર્દીઓ અને તેમના સગાંઓની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ હતી. વીજ પુરવઠો ગૂલ થવાની સીધી અસર હોસ્પિટલની સામાન્ય પ્રાથમિક સુવિધાઓ પર પડતાં પરિસ્થિતિ વધારે વણસી હતી. પાણી અને વીજળી બંને એકસાથે ખોરવાતાં દર્દીઓ તથા સગાં-સંબંધીઓમાં ઉગ્ર નારાજગી જોવા મળી હતી. 

ટેક્નિકલ ખામી મિનિટોમાં સુધારી દેવાનો દાવો કરાયો 

પરિસ્થિતિ વણસતાં હોસ્પિટલનું તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું અને સ્થિતિ કાબૂમાં લેવા દોડધામ શરૂ થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા તાકીદે ટોકન સિસ્ટમ ડાયરેક્ટ કરી દર્દીઓની હાલાકી ઘટાડી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ ટેક્નિકલ ખામી મિનિટોમાં સુધારી લઈ તમામ તબીબી સેવાઓ સંપૂર્ણ પૂર્વવત કરી દીધીનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો :    Crime : પરિવારના 4 સભ્યોની હત્યા કરી મોભીએ ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કર્યો