સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને રીતસર પત્તાના મહેલની જેમ બેસી રહ્યા છે. સુરતમાં રસ્તા બેસી જવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે સતત ત્રીજા દિવસે પણ આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉધના ઝોનની સામે જ પડ્યો મોટો ભૂવો
મળતી માહિતી મુજબ, ઉધના ઝોન ઓફિસની બિલકુલ સામે આવેલા 'ત્રીસલા એપાર્ટમેન્ટ'ની બહાર અચાનક જ આખો રસ્તો બેસી ગયો હતો. રસ્તાની વચોવચ મોટો ખાડો પડી જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાની શરૂઆતમાં જ સુરતના રસ્તાઓ લોકો માટે જોખમી બની ગયા છે, જ્યાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ છે.
