સુરતમાં ખાડી પૂરના ઓસરેલા પાણી બાદ હવે તબાહીના વરવા દ્રશ્યો અને વેપારીઓની લાચારી સામે આવી રહી છે. શહેરના કપડાં માર્કેટના હબ ગણાતા વરાછા વિસ્તારમાં આવેલા શ્યામધામ ચોક અને વંદના સોસાયટી પાસે પૂરના પાણી દુકાનોમાં ઘૂસી જતાં અબજો રૂપિયાનો માલ-સામાન નાશ પામ્યો છે. દુકાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે તૈયાર કપડાં સહિતનો કિંમતી સામાન પલળી ગયો છે, જેના લીધે સ્થાનિક નાના-મોટા વેપારીઓને રોવાનો વારો આવ્યો છે.
20 થી 30 ટકાના નજીવા ભાવે કપડાં સહિતની વસ્તુઓનું વેચાણ
ભારે વરસાદ અને વહીવટી તંત્રની બેદરકારીના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા વેપારીઓ હવે નુકસાનીનો ધંધો કરવા મજબૂર બન્યા છે. પલળી ગયેલો માલ સડી ન જાય તે માટે વેપારીઓએ મૂળ કિંમત કરતાં 20 થી 30 ટકાના નજીવા ભાવે કપડાં સહિતની વસ્તુઓ વેચવાનું શરૂ કરી દીધું છે.
500ની બ્રાન્ડેડ વસ્તુઓ માત્ર રૂ. 50 માં વેચવા મજબૂર
પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે વેપારીઓ પોતાની રૂ. 100ની વસ્તુ માત્ર રૂ. 10માં અને રૂ. 500ની બ્રાન્ડેડ વસ્તુઓ માત્ર રૂ. 50 જેવા પાણીના ભાવે વેચીને પોતાનું નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, આ ભારે ડિસ્કાઉન્ટ અને સસ્તા ભાવે કપડાં ખરીદવા માટે સ્થાનિક લોકોની ભારે પડાપડી અને મોટી ભીડ જોવા મળી રહી છે.
વેપારીઓનો આખો ધંધો ચોપટ કરી નાખ્યો
ચોમાસાના આ પ્રકોપે સુરતના વેપારીઓનો આખો ધંધો ચોપટ કરી નાખ્યો છે. પૂરના કારણે થયેલા આ મોટા નુકસાનથી પરેશાન વેપારીઓનું કહેવું છે કે, માલની પડતર કિંમત પણ નીકળે તેમ નથી, પરંતુ ઘરમાં કે દુકાનમાં ભરેલો માલ સાવ ફેંકી દેવા કરતાં જે પણ થોડા-ઘણા પૈસા ઉપજે તે લેવા માટે તેઓ લાચાર બન્યા છે. આ કુદરતી આફતે વરાછાના વેપાર જગતને મોટો ફટકો માર્યો છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં