સુરતના વરાછા સ્થિત કપૂરવાડી પાસે ખોડિયાર નગરમાં બપોરે અચાનક તોતિંગ ઝાડ ધરાશાયી થતાં આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્ગ પરથી પસાર થતા એક રાહદારી ઝાડ નીચે દબાઈ જતાં તેમને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તોતિંગ ઝાડ અચાનક જ રસ્તા પર ધરાશાયી
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા કપૂરવાડી નજીક ખોડિયાર નગરમાં બપોરના સમયે સામાન્ય રીતે લોકોની અવરજવર ચાલુ હતી. તે દરમિયાન માર્ગની બાજુમાં આવેલું એક તોતિંગ ઝાડ અચાનક જ રસ્તા પર ધરાશાયી થઈ ગયું હતું. અણધારી રીતે વૃક્ષ જમીનદોસ્ત થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રાહદારી ઝાડની નીચે દબાઈ ગયા
આ દુર્ઘટના બની તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી ઝાડની નીચે દબાઈ ગયા હતા. ઝાડના વજનદાર હિસ્સા નીચે દબાઈ જવાથી આ રાહદારીને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાકીદે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બાઈક ઝાડની મોટી ડાળીઓ નીચે દબાયા
બીજી તરફ, રસ્તાની એક બાજુએ પાર્ક કરવામાં આવેલાં વાહનો પર પણ ઝાડ તૂટી પડ્યું હતું. માર્ગ પર ઊભેલાં 3 થી 4 જેટલાં બાઈક ઝાડની મોટી ડાળીઓ નીચે દબાઈ જતાં તેને સામાન્ય નુકસાન થયું હતું. અચાનક વૃક્ષ ધરાશાયી થવાને લીધે રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની માહિતી મળતાં જ ફાયર ઓફિસર દીનુ પટેલ સહિતની ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે સાધનોની મદદથી માર્ગ પર પડેલા તોતિંગ ઝાડની ડાળીઓ કાપીને તેને હટાવી લીધી હતી. ફાયર ટીમે કામગીરી કરીને રસ્તા પરથી ઝાડની ડાળીઓ દૂર કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો.
આ પણ વાંચો : Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની