સુરત શહેરમાંથી ફરી એકવાર સ્પા અને દુકાનની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. સુરતના સરથાણા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે સપાટો બોલાવીને યોગીચોક વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી કુટણખાનું ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ હાઈપ્રોફાઈલ દરોડાને પગલે સમગ્ર સરથાણા અને યોગીચોક વિસ્તારના વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.
દેહવ્યાપારનો ગેરકાયદેસર ધંધો
સરથાણા પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે યોગીચોક વિસ્તારની એક દુકાનમાં વ્યવસાયની આડમાં બહારથી યુવતીઓ લાવીને દેહવ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે.
મહિલા સંચાલિકા સહિત આરોપી ઝડપાયા
બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસ રેડ દરમિયાન ઘટનાસ્થળેથી અનૈતિક પ્રવૃત્તિ કરાવનાર દુકાન માલિક, કુટણખાનું ઓપરેટ કરનાર મહિલા સંચાલિકા તેમજ મજા માણવા આવેલા ગ્રાહકને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની અટકાયત કરવામાં આવી છે.
7 યુવતીઓ મુક્ત
પોલીસના આ દરોડા દરમિયાન દેહવ્યાપારના કીચડમાંથી કુલ 7 યુવતીઓને હેમખેમ મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે આ તમામ ભોગ બનનાર લાચાર યુવતીઓનું કાયદાકીય અને માનસિક કાઉન્સેલિંગ કરીને તેમને યોગ્ય આશ્રય સ્થાન પર મોકલવાની તજવીજ હાથ ધરી છે.
વધુ તપાસના ચક્રો ગતિમાન
સરથાણા પોલીસે ઝડપાયેલા ત્રણેય મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ઇમ્મોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે અને આ યુવતીઓને ક્યાંથી લાવવામાં આવતી હતી, તે દિશામાં પોલીસ હાલ ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે. રહેણાંક અને કોમર્શિયલ હબ ગણાતા યોગીચોક જેવા ગીચ વિસ્તારમાં દુકાનની અંદર ચાલતા આ સેક્સ રેકેટના પર્દાફાશથી સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?