રાજ્યમાં ટ્રેન પર પથ્થરમારો થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહે છે. રાજસ્થાનના ઉદયપુરથી ઉપડેલી વંદે ભારત ટ્રેન સુરત આવી રહી હતી. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ ટ્રેન પર પથ્થર મારો કર્યો હતો.પથ્થરમારાને કારણે વંદે ભારત ટ્રેનના કોચની બારીઓના કાચ તૂટ્યા હતાં. ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ભય ફેલાયો હતો. પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.આખરે આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ઉદયપુરથી સુરત આવતી ટ્રેનને બનાવાઈ હતી નિશાન
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 19 ઓક્ટોબરે રાજસ્થાનના ઉદયપુરથી ઉપડેલી 26904 નંબરની વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ઉતરાણ અને સુરત વચ્ચેથી પસાર થતી હતી. આ દરમિયાન ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેના કારણે ટ્રેનના કોચ નંબર C-6ની સીટ નંબર 40, 41, 42 તેમજ 60, 61, 62 પાસેની બારીઓના કાચ તૂટી ગયા હતાં. ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં પથ્થરમારાને લઈને ભય ફેલાયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફર કે કર્મચારીને હાની પહોંચી નહોતી. આ ઘટનાની માહિતી મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ તરફથી સુરત RPF પોસ્ટને આપવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.
