સુરત શહેરના ઉધના રોડ નંબર-૫ પર આવેલી એક નવનિર્મિત અને નિર્માણાધીન પાણીની ટાંકી પર આજે એક અજાણ્યો યુવક અચાનક ચડી જતાં ચકચાર મચી ગઈ હતી. અંદાજે 100 ફૂટ જેટલી ઊંચી ટાંકી પર યુવકને ઊભેલો જોઈને આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં ત્યાં લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા.
સુરતના ઉધનામાં 'શોલે' જેવો સીન
યુવક કયા કારણોસર પાણીની ટાંકી પર ચડ્યો છે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી, પરંતુ તેની આ જોખમી હરકતને કારણે વિસ્તારમાં મોટો હાઈવોલ્ટેજ ડ્રામા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સુરત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો હેવી વ્હીકલ્સ અને રેસ્ક્યૂ સાધનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો.
