સુરત શહેરના ઉધના-નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામે આવેલું 'એપી માર્કેટ' (AP Market) એકાદ વર્ષ પહેલાં બનેલી એક દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરીત જાહેર કરીને સીલ કરવામાં આવ્યું હતું. આ સીલબંધ અને બિનવારસી ઇમારતમાંથી અચાનક એક માનવ કંકાલ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.
ઉધનાના 1 વર્ષથી સીલ AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો
ઘટના અંગેની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત ક્રાઇમ સીન સીલ કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને સાથે રાખીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસને કંકાલની આસપાસથી એક બેગ પણ મળી આવી છે. આ બેગની તલાશી લેતાં તેમાંથી એક ચોપડો/બુક મળી આવી હતી, જેમાં "મારું નામ સચિન રાજુ ડાભેલ" લખેલું વાંચવા મળ્યું છે. આ નામ સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરના તમામ પોલીસ મથકોમાં 'સચિન રાજુ ડાભેલ' નામના કોઈ વ્યક્તિ ગુમ થયાની (મિસીંગ) ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરી છે.
