સુરત શહેરના ઉન વિસ્તારમાં આવેલા વાંઝ ઇક્લેરા પાસે ખાનગી વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અંદાજે 10 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં લાગેલી આગ 20 કલાક વીતી ગયા બાદ પણ બેકાબૂ છે અને હજુ સુધી સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નથી. ગોડાઉનમાં મોટા પાયે વેસ્ટેજ કાપડનો જથ્થો હોવાથી આગ વારંવાર ભભૂકી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે આટલી મોટી આગની ઘટનામાં સદનસીબે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ખાનગી વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં વિકરાળ આગ
પ્રાથમિક વિગતો મુજબ, ઉન વિસ્તારમાં વાંઝ ઇક્લેરા પાસે આવેલા ખાનગી કાપડના ગોડાઉનમાં ગઈકાલે સવારે અંદાજે 8:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનું અનુમાન છે, જે અંગે ફાયર વિભાગને સવારે 10:10 વાગ્યે જાણ કરવામાં આવી હતી.આ સમગ્ર ગોડાઉન 10 એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે અને તેમાં વેસ્ટેજ કાપડનો મોટો જથ્થો સંગ્રહાયેલો છે, જેના કારણે એક તરફ આગ બુઝાવવામાં આવે ત્યાં બીજી તરફ આગ વારંવાર લાગી રહી છે.
