સુરત શહેરમાં ફરી એકવાર બેફામ દોડતી બીઆરટીએસ (BRTS) બસનો કહેર સામે આવ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં આવેલા વ્યસ્ત વીઆઈપી (VIP) સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી બીઆરટીએસ બસે નિર્દોષ વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી એક સ્કૂલ ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના માસૂમ બાળકો ઈજાગ્રસ્ત થતાં રસ્તા પર ભારે નાસભાગ અને અરેરાટી વ્યાપી ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ગઈ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ સ્કૂલ રિક્ષામાં સવાર થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉત્રાણ VIP સર્કલ પાસેથી પસાર થતી વખતે BRTS બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં રિક્ષા સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી.અકસ્માત એટલો પ્રચંડ હતો કે સ્કૂલ રિક્ષા રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર નાના ભૂલકાંઓ લોહીલુહાણ હાલતમાં રડવા-ચીસો પાડવા લાગ્યા હતા. અકસ્માત જોઈને આસપાસના સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રિક્ષામાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ઘટનાસ્થળે એકઠા થયેલા જાગૃત નાગરિકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત તમામ બાળકોને તાબડતોબ નજીકની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. સદનસીબે તમામ બાળકોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ભયાનક અકસ્માતના કારણે બાળકો અને તેમના વાલીઓમાં ભારે આઘાતનો માહોલ છે.

આ પણ વાંચો: Jamnagar: મોટી ખાવડી રેલવે સ્ટેશન નજીક વહેલી સવારે ભીષણ આગ; 6થી 7 મજૂરોના રૂમ બળીને ખાખ