સુરતના વરાછા વિસ્તારમાં આજે સવારે એક હૃદય કંપાવી દેનારો રોડ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, વરાછા ફ્લાયઓવર બ્રિજ પરથી એક મોટરસાયકલ પસાર થઈ રહી હતી. આ દરમિયાન બ્રિજ પર આગળ જઈ રહેલી એક ભારે માલવાહક ટ્રકની પાછળ બાઈકના ચાલકે કાબૂ ગુમાવતા બાઈક સીધી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા તેને માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ તડફડીને મોત નીપજ્યું હતું.

વરાછા ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માત 

આ અકસ્માતમાં બાઈકની પાછળ બેસેલી અન્ય એક વ્યક્તિ પણ રોડ પર ફંગોળાતા તેને શરીરે ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક બ્રેક મારીને ઉભા રહી ગયા હતા અને બ્રિજ પર કાળ ચીસો વચચે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને પોલીસને આ અંગે જાણ કરી હતી.

પોલીસ એક્શન અને તપાસનો ધમધમાટ

ઘટનાની ગંભીરતાને જોઈને વરાછા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક બ્રિજ પર દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે મૃતક યુવકના ખિસ્સામાંથી મળેલા દસ્તાવેજોના આધારે તેના પરિવારજનોને જાણ કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી હટાવીને બ્રિજ પરનો ટ્રાફિક હળવો કરાવ્યો હતો. વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધીને ટ્રક ચાલકની પૂછપરછ અને બ્રિજ પર સ્પીડ લિમિટના ભંગ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Monsoon 2026 : મેઘરાજાની સેકન્ડ ઇનિંગ્સ, સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ