રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં જ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં તેની વ્યાપક અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી કલાકોમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમા ભારે વરસાદ ખાબકી શકે છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ 

આ સિવાય વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ તોફાની વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરશે, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં પણ ગાજવીજ સાથે સારા વરસાદની પૂરેપૂરી શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં વરસાદ

આ સિસ્ટમ સક્રિય થતાં જ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે, જેમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી શહેરમાં 5 ઈંચ, વલસાડના પારડીમાં 4 ઈંચ અને સુરતના પલસાણામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ 

આ સિવાય સુરતના મહુવા અને નવસારીના ચીખલીમાં 2.5 ઈંચ, સુરત શહેરમાં 2 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ અને અંબિકામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 6 વાગ્યાથી પડેલા વરસાદમાં 102 તાલુકાઓ જળમગ્ન થઈ ગયા હતા અને અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ ચાલુ છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..