રાજ્યમાં ગત અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આ માવઠાના કારણે તમામ વર્ગની હાલત કફોડી બની છે. એક તરફ જ્યાં ખેડૂતોને પાક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તૈયાર પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પાક નિષ્ફળ જતા પુરવઠામાં ઘટાડો થયો છે. જે કારણે સામાન્ય માણસોને ભાવ વધારો સહન કરવો પડી રહ્યો છે.
શાકભાજીની આવકમાં 40 ટકાનો ઘટાડો
ગત અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી કપાસ, મગફળી તેમજ શાકભાજીના વાવેતરને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદની અસર શાકભાજીના ભાવ પર પડી રહી છે. આવામાં સુરત શાકભાજી માર્કેટમાં શાકભાજીની આવકમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં ટામેટા, પાપડી, કોબી, તુવરે, રીંગણ, ફૂલાવરની આવક ઘટી રહી છે.
સુરતના શાકભાજી બજાર પર અસર
કમોસમી વરસાદની સીધી સીધી અસર સુરતના શાકભાજી બજાર પર જોવા મળી રહી છે. સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવક ઘટાડો નોંધાયો છે. જેમાં તુવેર, રીંગણ, ફુલાવર, કોબી, કેળા, ટામેટા અને પાપડીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આ સાથે શિયાળુ પાકને પણ વધુ નુકસાન થયું છે. પાક તૈયાર થવાની તૈયારી સમયે કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. બજારમાં શાકભાજીની આવકનો ઘટાડો થતા શાકભાજીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
ગૃહીણીના બજેટ પર અસર
કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જે કારણે બજારમાં શાકભાજીની આવક ઘટી છે. જે સામે શાકભાજીની માંગમાં વધારો થયો છે. માંગ સામે પુરવઠો ન મળવાને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. શાકભાજીમાં લગભગ 40 ટકા જેટલો વધારો થયો છે, જેની સીધી અસર ગૃહીણીના બજેટ પર પડી રહી છે.
આ પાકને પણ મોટાપાયે નુકસાન
અત્રે નોંધનીય બાબત છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કપાસની વીણી સમયે જ વરસાદ થતા તૈયાર પાક નિષ્ફળ ગયો છે. આ સાથે મગફળી અને ડૂંગળી જેવા પાકોને પણ નુકસાન થયું છે. જે કારણે તેમના ભાવમાં પણ વધારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આગામી સમયમાં સિંગતેલના ભાવ પણ વધે તેવી શક્યતા છે.