સુરતના સ્થાનિક શાકભાજી માર્કેટમાં હાલ એક અનોખો અને ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે મોંઘા ગણાતા ફળોની સરખામણીએ રોજિંદા વપરાશમાં લેવાતા શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે, જેના પરિણામે શાકભાજી કરતાં ફ્રૂટ્સ સસ્તા મળી રહ્યા છે! બજારમાં ગુણવત્તાયુક્ત કાંદાનો ભાવ પ્રતિ કિલો ₹80 પર પહોંચી ગયો છે, તો તેની સામે લાલચટક કાશ્મીરી સફરજન પણ બજારમાં ₹80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વટાણા, આદુ, તુવેર, પાપડી અને ગુવાર જેવા લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં સુરતી ગૃહિણીઓનું માસિક રસોડા બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
કાંદા અને સફરજન એક ભાવે
બજારમાં કાંદા ₹80 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે સિઝનલ સફરજન પણ ₹80 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ બનતાં લોકો શાકભાજી ખરીદવાને બદલે ફ્રૂટ્સ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. શિયાળાની શરૂઆતની સિઝન ગણાતા વટાણા, દેશી પાપડી, સુરતી પાપડી, તુવેર, ગુવાર અને આદુના ભાવ આસમાને પહોંચી ગયા છે. મસાલા વર્ગમાં આદુ અને લસણના ભાવ સદી વટાવી ચૂક્યા હોવાથી સામાન્ય ગૃહિણીઓ માટે રસોઈમાં તડકો લગાવવો પણ મોંઘો બન્યો છે. બીજી તરફ, વિવિધ ફળોની પૂરતી આવક રહેતાં કેળા, પપૈયા, મોસંબી અને સફરજનના ભાવ શાકભાજીની સરખામણીએ ઘણા વાજબી સ્તરે પહોંચી ગયા છે.
