હીરાનગરી સુરતના પોશ અને અત્યંત ધમધમતા ગણાતા વેસુ વીઆઈપી રોડ પર કાળમુખા અને બેફામ દોડતા ડમ્પરે વધુ એક નિર્દોષ જિંદગી છીનવી લીધી છે. પોતાની કારકિર્દી ઘડવા માટે મોપેડ પર સવાર થઈને ટ્યુશન ક્લાસ જઈ રહેલી બે સગી બહેનોને અતિ પૂરપાટ ઝડપે ધસી આવેલા ભારેખમ ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોપેડ ચલાવી રહેલી 22 વર્ષીય આશાસ્પદ યુવતી નેહા પ્રસાદનું ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે તેની નાની બહેન નિકી પ્રસાદ લોહીલુહાણ હાલતમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. અકસ્માત સર્જીને નિર્દય ડમ્પર ચાલક વાહન રસ્તા વચ્ચે જ રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો.

ટ્યુશન ક્લાસ જતી વખતે અચાનક કાળ બનીને ત્રાટક્યું ડમ્પર

હૈયું કંપાવી દેતી આ ઘટનાની વિગતો અનુસાર સુરતના વેસુ વીઆઈપી રોડ પરથી બંને સગી બહેનો 22 વર્ષીય નેહા પ્રસાદ અને તેની બહેન નિકી પ્રસાદ રોજિંદા ક્રમ મુજબ મોપેડ લઈને ટ્યુશન ક્લાસ જવા નીકળી હતી.રસ્તા પર ટ્રાફિક વચ્ચે અચાનક પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા ડમ્પરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ડમ્પરે મોપેડને પાછળથી એવી પ્રચંડ ટક્કર મારી હતી કે બંને બહેનો મોપેડ સહિત હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ હતી.

 નિકી પ્રસાદ ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ

અકસ્માત એટલો જોરદાર હતો કે સ્થળ પર હાજર લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. ટક્કર બાદ બંને બહેનો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર તરફડવા લાગી હતી.સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોએ તાત્કાલિક બંને બહેનોને 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી હતી.જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં ગંભીર ઇજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે ૨૨ વર્ષીય નેહા પ્રસાદે દમ તોડી દીધો હતો, જેને તબીબોએ મૃત જાહેર કરી હતી.બીજી તરફ, ગંભીર રીતે ઘવાયેલી નિકી પ્રસાદને વધુ સઘન સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જણાવાયું છે.

ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર, અલથાણ પોલીસે ડમ્પર જપ્ત કર્યું

અકસ્માત સર્જીને માનવતા ભૂલેલો ડ્રાઈવર સ્થળ પરથી નાસી ગયો હતો.ઘટના બનતાં જ લોકો એકઠા થઈ જવાની બીકે ડમ્પર ચાલક ડમ્પરને રસ્તાની વચોવચ ઊભું રાખીને ભાગી છૂટ્યો હતો.બનાવની જાણ થતાં જ અલથાણ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રસ્તા પરથી ડમ્પરને કબ્જે કરીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.આશાસ્પદ દીકરીના આકસ્મિક મોતના સમાચાર મળતાં જ પ્રસાદ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું છે.અલથાણ પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મોત નીપજાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Bharuch: વાગરામાં સેનઝીલ ફાર્માના પ્રચંડ બ્લાસ્ટની ભયાનકતા; 1000 મીટર દૂર ટ્રેક્ટરનું ટાયર ફાડી નાખ્યું, NK પિગમેન્ટ્સની લેબ તહેસનહેસ