સુરત શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક અને ગીચ વસ્તી ધરાવતા ઝાંપાબજાર વિસ્તારમાં મોડી રાત્રે એક મકાન ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. સુરત પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદ અને વાતાવરણમાં ભેજના ઊંચા પ્રમાણના કારણે ઝાંપાબજાર સ્થિત એક જૂનું અને જર્જરિત મકાન નબળું પડી ગયું હતું. મોડી રાત્રે આ મકાનની ઈંટો વાળી દીવાલ અને ઉપરનો પતરાનો શેડ અચાનક જ ધડાકાભેર નીચે તૂટી પડ્યા હતા.ઘટના સમયે મકાનની આસપાસ અને શેડ નીચે રહેલા 3 યુવકો અચાનક કાટમાળ અને પતરાં નીચે ફસાઈ ગયા હતા.

ફાયર વિભાગનું ત્વરિત અને સફળ રેસ્ક્યૂ ઓપરેશન

મકાન તૂટી પડવાના વિકટ અવાજ સાથે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને તુરંત જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર ફાઇટરોની ટીમ રેસ્ક્યૂ વાહનો સાથે તાત્કાલિક ઝાંપાબજાર પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના કાટમાળ અને પતરાં હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

ત્રણેય યુવકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા

ભારે મહેનત બાદ કાટમાળ નીચે દબાયેલા ત્રણેય યુવકોને એક પછી એક સહીસલામત અને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા.સદનસીબે ત્રણેય યુવકોનો આબાદ બચાવ થતાં સ્થાનિકો અને ફાયર તંત્રે રાહતનો શ્વાસ લીદો હતો. ચોમાસાની સીઝનમાં શહેરમાં આવેલી અન્ય જર્જરિત મિલકતો અંગે પણ મનપા તંત્ર દ્વારા તાકીદે નોટિસો આપી ખાલી કરાવવાની માગ ઉઠી છે.

આ પણ વાંચો: Valsad: વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી, એન્જિનનો ભાગ ડીરેલ થતાં મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક ખોરવાયો