ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવા અને અરજદારોના કામો ઝડપથી થાય તે માટે તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓને સમયસર હાજર રહેવા માટે કડક સૂચનાઓ આપેલી છે. મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે કોઈ બાંધછોડ ન કરવાના આદેશો છે. પરંતુ સુરત જિલ્લા પંચાયત કચેરીમાં આ આદેશો માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું દ્રશ્ય આજે સવારે જોવા મળ્યું હતું. જિલ્લા પંચાયત કચેરીની અંદર ચાલતી આ લાલિયાવાડીની ગુપ્ત બાતમી મળતા જ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખે આજે સવારે કચેરીમાં કોઈને પણ કહ્યા વિના સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.

જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓ ગેરહાજર

પ્રમુખ જ્યારે સવારે 11:00 વાગ્યે કચેરીની વિવિધ શાખાઓમાં પહોંચ્યા ત્યારે નજારો આઘાતજનક હતો. ઓફિસ શરૂ થવાનો સમય સવારે 10:30 વાગ્યાનો હોવા છતાં, અડધો કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં મોટાભાગના કર્મચારીઓ પોતાની સીટ પર હાજર નહોતા. કચેરીની મહત્વની ગણાતી શાખાઓની ખુરશીઓ ખાલીખમ પડી હતી, જ્યારે દૂર-દૂરથી પોતાના વહીવટી કામો લઈને આવેલા સામાન્ય નાગરિકો અને ગ્રામજનો કચેરીની બહાર આંટા મારી રહ્યા હતા.

લાઈટ-પંખા ચાલુ રાખી બેદરકારીની પરાકાષ્ઠા

આ તપાસ દરમિયાન સૌથી વધુ આક્રોશ જન્માવે તેવી બાબત એ સામે આવી હતી કે ઓફિસમાં કર્મચારીઓ તો ગેરહાજર હતા, પરંતુ તેમની બેદરકારીના કારણે કચેરીના પંખાઓ અને લાઈટો ફૂલ સ્પીડમાં ચાલુ હતા. પ્રજાના ટેક્સના પૈસામાંથી ચૂકવાતા સરકારી વીજ બિલની આ સરકારી બાબુઓને સહેજ પણ પડી ન હોય તેમ વીજળીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હતો. પ્રમુખે આ સમગ્ર દ્રશ્યો જોઈને કચેરીના વડાઓનો ઉધડો લીધો હતો.

મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ

જિલ્લા પંચાયત પ્રમુખની આ હાજરી અને કડક વલણને જોઈને મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કચેરી પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રમુખે તમામ ગેરહાજર અને મોડા આવતા કર્મચારીઓની યાદી તૈયાર કરવાના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા અને સરકારી મિલકતનો દુરુપયોગ કરનારા આ લેટ-લતીફ કર્મચારીઓ સામે કારણદર્શક નોટિસ ફટકારી તેમનો એક દિવસનો પગાર કાપવા સુધીના કડક પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Jamnagar: નાગનાથ ગેટ પાસે 2000 ફૂટ જેટલું દબાણ જમીનદોસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન