સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ચુડા રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચુડા નજીક પૂરઝડપે આવી રહેલા 1 કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર બેકાબૂ બનીને રસ્તા પર પસાર થઈ રહેલા 4 થી વધુ બાઈકને એકસાથે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવારો રસ્તા પર ફંગોળાયા હતા અને ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
4 થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, કાર ખાડામાં ખાબકી
બાઈક સવારોને અડફેટે લીધા બાદ પણ બેકાબૂ બનેલી કાર રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 4 થી વધુ લોકોને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક તમામ 4 થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
