કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા રાજ્યના યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આગામી ડિસેમ્બર-2026 માં ‘ગુજરાત આરોહણ – અવરોહણ સ્પર્ધા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં જોડાવા ઇચ્છુક રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ પાસેથી તા. 20 નવેમ્બર, 2026 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.
વિવિધ ડુંગરો પર જુનિયર અને સિનિયર વિભાગની સ્પર્ધા
એક દિવસીય આ રોમાંચક સ્પર્ધા અંતર્ગત અલગ-અલગ પર્વતો પર વય જૂથ મુજબ આયોજન કરાયું છે.
- જુનિયર વિભાગ (14 થી 18 વર્ષના ભાઈઓ અને બહેનો): રાજકોટના ધોરાજી ખાતે આવેલ ઓસમ પર્વત, સુરેન્દ્રનગર ખાતે ચોટીલા પર્વત અને સાબરકાંઠાના ઈડર ખાતે ઈડરિયો પર્વત.
- સિનિયર વિભાગ (19 થી 35 વર્ષના સ્પર્ધકો): પંચમહાલ ખાતે પાવાગઢ પર્વત અને વલસાડ ખાતે પારનેરા ડુંગર.
અરજી કરવાની પ્રક્રિયા અને અંતિમ તારીખ
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો સંબંધિત જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી શકશે. આ ફોર્મ યોગ્ય આધાર-પુરાવા સાથે ભરીને રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ અથવા વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે 20 નવેમ્બર, 2026 સુધીમાં જમા કરાવવાનું રહેશે.
સ્પર્ધકો માટે વિશેષ સુવિધાઓ અને સહાય
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે નિયત સ્થળ ખાતે સ્વ-ખર્ચે આવવા-જવાનું રહેશે. જોકે, સ્પર્ધા દરમિયાન નિવાસ, ભોજન તેમજ ભાગ લેનારા તમામ સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. પસંદગી પામનારા સ્પર્ધકોને સંબંધિત કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. વધુ વિગતો માટે સંબંધિત જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકાશે.
આ પણ વાંચો: Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 1500 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, ઇતિહાસમાં પ્રથમવાર 7 હજાર આવાસોનો ડ્રો યોજાશે