રાજ્ય સરકાર દ્વારા આજથી ત્રિદિવસીય ‘શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૫’નો શુભારંભ થયો છે. જે અંતર્ગત આજે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ વઢવાણ તાલુકામાં ખોડુ ગામ ખાતેની કુમાર અને કન્યા શાળા, પ્રમુખ સ્વામી મહારાજ માધ્યમિક શાળા ખાતેથી આંગણવાડી, બાલવાટિકા, ધોરણ - ૧, ધોરણ - ૯ અને ધોરણ - ૧૧માં બાળકોનો પ્રવેશ કરાવી સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ કરાવી રહ્યા છે
આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાને શરૂ કરાવેલી આ પરંપરાને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. જેના ફળસ્વરૂપે આજે રાજ્યભરમાં બાળકોનું શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. આજે મુખ્યમંત્રી, મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ કરાવી રહ્યા છે.
તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોને શિક્ષણ માટે જરૂરી એવી તમામ માળખાકીય સુવિધાઓ મળી રહે એની સરકારે તકેદારી લીધી છે. સરકારશ્રીએ બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને નવી શિક્ષણનીતિ અંતર્ગત વિષયોનો સમાવેશ કર્યો છે. વધુમાં, પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
પદાધિકારીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં
આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના બાળકોએ વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય જેવા વિષયો પર પોતાના વિચારો રજુ કર્યાં હતાં. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, બેટરી ટેસ્ટ, યોગા જેવી અલગ અલગ સ્પર્ધાઓમાં અગ્રતા ક્રમ હાંસલ કરનાર શાળાના તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા, પદાધિકારીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.