ગુજરાતના સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા (Dasada) તાલુકાના ખારાઘોડા (Kharaghoda) ગામ નજીક આવેલા કચ્છના નાના રણ (Little Rann of Kutch) માં મીઠું પકવીને ગુજરાન ચલાવતા અગરિયા (Agariya) પરિવારોની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે માનવ અધિકાર પંચ (Human Rights Commission) ના પ્રતિનિધિએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અગરિયાઓની પ્રાથમિક સુવિધાઓના સળગતા પ્રશ્નો ગુંજી ઉઠ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રણમાં બધું જ સમુસૂતરું ચાલી રહ્યું હોવાનું 'કલરફુલ પિક્ચર' ઊભું કરવાનો પ્રયાસ કરાયો હતો અને મીડિયાને પણ રોકવામાં આવ્યા હતા, પરંતુ તંત્રની આ કડક નજર વચ્ચે એક અગરિયા યુવાને હિંમત દાખવીને તંત્રની પોલ ખોલી નાખી હતી.
રણમાં બસ મોકલી બાળકોને ગામની શાળામાં લાવવા રજૂઆત
અગરિયા યુવાને પ્રતિનિધિ સમક્ષ વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે રણમાં કામ કરતા પરિવારો આજે પણ આરોગ્ય, શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી અને રહેઠાણ જેવી પાયાની સુવિધાઓથી સદંતર વંચિત છે. શિક્ષણની સમસ્યા અંગે રજૂઆત કરતા જણાવાયું હતું કે, 'રણ બસ શાળા' (Rann Bus School) માં જ્યારે શિક્ષક ભણાવવા આવે છે, ત્યારે ગામની શાળાના બાળકો શિક્ષણથી વંચિત રહે છે. તેથી રણમાં બસ મોકલીને બાળકોને ગામની શાળામાં લાવવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી, જેથી તમામ બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે.

