સૌરાષ્ટ્રની રંગબેરંગી અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક એવા વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળાનું આયોજન આ વર્ષે તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન થવા જઈ રહ્યું છે. આ લોકમેળો માણવા લાખો લોકો અને પ્રવાસીઓ ઉમટી પડે છે. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખી, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી વિભાગ) દ્વારા પ્રવાસીઓ માટે અસરકારક અને સુદૃઢ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
પરિવહન: એસ.ટી. વિભાગની સજ્જતા
તરણેતર મેળામાં પહોંચવા અને પરત ફરવા માટે સહેલાણીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતાં રાજકોટ વિભાગીય નિયામક શ્રી જે.વી.કલોતરાએ જણાવ્યું હતું કે, તરણેતર મેળામાં આવતા મુસાફરોની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા ખાસ પરિવહન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, ધ્રાંગધ્રા થી તરણેતર મેળાનાં માણીગરો સરળતાથી પહોચી શકે તે માટે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, થાન, ચોટીલા અને ધ્રાંગધ્રાથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. મેળાના મુખ્ય ત્રણ દિવસ તા. ૨૬, ૨૭ અને ૨૮ ઓગસ્ટ દરમિયાન, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વિવિધ ડેપોમાંથી ૧૨૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ બસ સેવા ૨૪ કલાક (૨૪x૭) કાર્યરત રહેશે, જેથી મુસાફરોને ગમે તે સમયે મેળા સ્થળે પહોંચવામાં કે પરત ફરવામાં કોઈ અગવડતા ન પડે.
રાજકોટ થી તરણેતર સુધી એક મુસાફર દીઠ ભાડું રૂ.૧૪૦ રહેશે
મુખ્ય બસ રૂટ્સ અને ભાડાની વિગતો વિશે વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ થી તરણેતર સુધી એક મુસાફર દીઠ ભાડું રૂ.૧૪૦/- નિર્ધારિત કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર થી તરણેતર રૂટ પર નિયમિત બસ સેવા ઉપરાંત વધારાની બસોનું પણ સંચાલન થશે. ચોટીલા થી તરણેતર રૂટ પરનું ભાડું રૂ. ૭૫ રહેશે. ધ્રાંગધ્રા, હળવદ, થાન, સરા અને ચોટીલા આ તમામ સ્થળોએથી પણ પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ રહેશે, જેથી આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો માટે પણ સરળતા રહે.
ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા
એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જાહેર પરિવહનથી મેળા સ્થળ અને આસપાસના રસ્તાઓ પર થતી ટ્રાફિકની સમસ્યાને સરળતાથી અંકુશમાં લાવી શકાશે. આ ઉપરાંત, પોલીસ અને ટ્રાફિક વિભાગના સહયોગ અને સંકલન થકી વાહનોના પાર્કિંગ અને ટ્રાફિકના સુચારૂ સંચાલન માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તમામ વ્યસ્થાઓ મેળાના આયોજનને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. આમ, તરણેતરનો મેળો માત્ર લોકસંસ્કૃતિનો જ નહીં, પરંતુ જિલ્લા તંત્રની સુચારૂ આયોજન ક્ષમતા અને સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહેશે. આ મેળો લોકોને સાંસ્કૃતિક વૈભવના આનંદ સાથે સુરક્ષિત અને સરળ પ્રવાસનો અનુભવ પણ આપશે. આમ તરણેતર લોકમેળો સંસ્કૃતિ, આનંદ અને સુવ્યવસ્થાનું લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.