તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે ગીરની વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની સિઝને ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 55 દિવસના ટૂંકા ગાળામાં યાર્ડમાં અધધ.. 9.12 લાખ બોક્સ કેસર કેરીનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીની આવક બમણાથી પણ વધુ થતાં ગીર પંથકના અર્થતંત્રમાં ભારે તેજી જોવા મળી રહી છે. આ સુવર્ણ સિઝનના કારણે ગીરના જગતના તાતને અંદાજે 200 કરોડની બમ્પર આવક થઈ છે, જેને પગલે ખેડૂત આલમમાં ખુશીનો માહોલ છવાયો છે.
કેસર કેરીની ગુણવત્તા અને મીઠાશમાં ધરખમ વધારો
ચાલુ વર્ષે ગીરમાં અનુકૂળ હવામાન અને યોગ્ય તાપમાનના કારણે કેસર કેરીની ગુણવત્તા અને મીઠાશમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. આ ઉત્તમ ક્વોલિટીના કારણે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ગીરની કેસરની ભારે માંગ રહી છે. વિદેશી બજારોમાં ગીરની કેરીનો દબદબો એ વાત પરથી સાબિત થાય છે કે આ સિઝનમાં અંદાજે 150 ટન જેટલી કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે. ગીરની આ મીઠી મધુરી કેરી અમેરિકા, કેનેડા, યુરોપ અને ગલ્ફના દેશો સુધી પહોંચી છે અને વિદેશીઓને પણ ઘેલી કરી છે.













