તાપીના ઉચ્છલ તાલુકામાં આવેલા નારણપુર ગામમાં થયેલી કથિત લૂંટના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ લૂંટ બાદ એક ઈનોવા કારમાં ભાગી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને પકડવા માટે પીછો કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ ફિલ્મી દ્રશ્યો જેવો હતો. જ્યાં આરોપીઓ પોલીસથી બચવા માટે કાર છોડીને જંગલમાં ભાગી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર નારણપુર ગામમાં લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ તેમની ઈનોવા કારમાં સુરત તરફ ભાગી રહ્યા હતા.


નારણપુર ગામે લૂંટ કરી ફરાર થયેલા 4 ઝડપાયા

આ દરમિયાન ઉચ્છલ પોલીસને આ લૂંટ અંગેની માહિતી મળતા તેમણે આરોપીઓની કારને આંતરવા માટે ચુસ્ત નાકાબંધી ગોઠવી હતી. મૌલીપાડા નજીક પોલીસે આ ઈનોવા કારને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ આરોપીઓએ કારને રોકવાને બદલે વધુ ઝડપથી હંકારી. આરોપીઓ પોલીસને ચકમો આપવા માટે અંતરિયાળ રસ્તાઓ પર ભાગ્યા. પરંતુ પોલીસે તેમનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. આખરે પોલીસનો સકંજો વધુ મજબૂત બનતા આરોપીઓએ મૌલીપાડા નજીક લીંબાસોટીના જંગલ પાસે પોતાની કાર મૂકીને જંગલમાં ફરાર થવાનો પ્રયાસ કર્યો.

લૂંટારુઓ કાર મૂકી લીંબાસોટીના જંગલમાં ભાગ્યા હતા

પરંતુ પોલીસે ચારેય આરોપીઓને ઘેરીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓને ઉચ્છલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ ઘટનામાં વધુ તપાસ કરી રહી છે અને લૂંટનો ચોક્કસ હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.


  • Follow us on: