ચોમાસાની ચાલુ સિઝનમાં ઉત્તર ગુજરાતના વાવ થરાદ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતાં. થરાદ અને બનાસકાંઠાના કેટલાક ગામડાઓમાં સતત એક મહિના કરતાં વધારે સમયથી પાણી ભરાઈ ગયાં છે જેનો નિકાલ નહીં થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગઈકાલે પાણીનો નિકાલ બંધ કરાવ્યો
આજે વાવ થરાદ જિલ્લાના નાગલા ખાનપુર અને ડોડગામના ખેડૂતો એકત્ર થઈ કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. તેમણે વરસાદી પાણીના નિકાલની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ ગઈકાલે અચાનક આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. માલસણ અને માડકા બ્રાંચ કેનાલમાં આ પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગઈકાલે પાણીનો નિકાલ બંધ કરાવ્યો હતો.













