બનાસકાંઠાના થરાદમાંથી ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને મોબાઇલ દ્વારા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર્યવાહી થરાદ-વાવ હાઇવે પર આવેલા આશાપુરા પાર્લર નજીક કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. ત્યારે ત્રણ ઇસમો મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ક્રિકેટ મેચની હાર-જીત પર ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા હતા.
મોબાઈલ દ્વારા ઓનલાઇન સટ્ટો રમાડતા હતા
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વાવ તાલુકાના દેથળી ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સો આઇડી બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને આ ગુનામાં સંડોવાયેલા કુલ ચાર લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સટ્ટામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ સહિત કુલ 80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.













