બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી જીવનનો અંત આણ્યો છે. આ ઘટનામાં પતિ, પત્ની, સાળી અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.


નર્મદા કેનાલમાં પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપઘાત

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કેનાલ પરથી એક બાઇક, ચપ્પલ અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે ફોનમાંથી સીમ કાર્ડ કાઢી નાખવામાં આવ્યું હતું, જેના કારણે કોલ ડિટેલ્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ વસ્તુઓના આધારે શંકા ગઈ કે કોઈ અજુગતું બન્યું છે. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવારના સભ્યો કેનાલમાં કૂદી પડ્યા હતા. બે મહિલા સહિત ચાર લોકોએ શા માટે આત્મહત્યા કરી તે પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પરિવારના અન્ય સભ્યોનો સંપર્ક કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ

આ દુર્ઘટના પાછળ પારિવારિક સમસ્યા, આર્થિક સંકડામણ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર બ્રિગેડની ટીમોએ નર્મદા કેનાલમાં મૃતદેહોની શોધખોળ શરૂ કરી છે, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને વિસ્તાર વિશાળ હોવાથી કામગીરી મુશ્કેલ બની રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી.

  • Follow us on: